Essay on What if Humans were Immortal in Gujarati : In this article " જો મનુષ્ય અમર હોત તો નિબંધ ગુજરાતી " for students of class ...
Essay on What if Humans were Immortal in Gujarati: In this article "જો મનુષ્ય અમર હોત તો નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on What if Humans were Immortal જો મનુષ્ય અમર હોત તો નિબંધ
એક સનાતન નિયમ છે, “જે જન્મે છે તે મૃત્યુ પામે છે', “જે આવે છે તે જાય છે.” ફૂલ ખીલે છે અને કરમાઈ જાય છે. માણસ બાળસ્વરૂપે પૃથ્વી પર આવે છે, જીવે છે અને અંતે મૃત્યુ પામે છે. જીવમાત્ર માટે પ્રકૃતિનો આ અફર નિયમ છે. પરંતુ જો માનવી ક્યારેય મૃત્યુ પામતો જ ન હોત તો...? કલ્પનાની પાંખે ઊડીને આપણે મનુષ્યની અમરતાના લાભાલાભ વિશે વિચાર કરી જોઈએ.
જો માનવી મૃત્યુ જ પામતો ન હોત તો જિંદગીનું મૂલ્ય જ ન હોત. માનવી માટે જિંદગી છીપ જેવી તુચ્છ થઈ જાય. પછી તો જીવન કોઈ મુખે કહેલી વાર્તા જેવું નિરર્થક અને નીરસ બની જાય. મૃત્યુ છે માટે જ મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પોતાના જીવનનો આદર્શ સમજે છે. જો માનવી અમર હોત તો તેના મનમાં ધાર્મિક વિચારો જેવો કોઈ તરંગ ઉદ્ભવ્યો જ ન હોત. જિંદગીમાં સારું કરી છૂટવાની તેનામાં તમન્ના ક્યારેય ન થાત.
જો માનવી મૃત્યુ પામતો જ ન હોત તો વર્ષો પછી વૃદ્ધ માણસોનાં શરીરની દશા કેવી હોત? તેમના કરચલીવાળા દેહની કલ્પનાય કેવી બિહામણી લાગે છે! ધીરે ધીરે દરેક કુટુંબમાં ઘરડાઓની સંખ્યા વધી જાત. એ “અનુભવે વિશાળ' વૃદ્ધો પરિવર્તન અને નવીનતા સામે બળવો પોકારતા પોકારતા પોતાના જીવનની ગૌરવગાથા ગાતા રહેતા. પરિણામે યુવાવર્ગ તે સાંભળી સાંભળીને કંટાળી જાત.
જો માનવી અમર હોત તો ધીરે ધીરે વસતી એટલી વધી જાત કે આ પૃથ્વી પર પગ મૂકવાની પણ જગ્યા ન રહેત. ખોરાક, પાણી, કપડાં અને રહેઠાણોની તીવ્ર અછત ઊભી થાત. સતત પાંચ-છ વર્ષ દુકાળ પડવાથી ગામડાના લોકોની જેવી સ્થિતિ થાય છે, એવી સ્થિતિમાં સમગ્ર જગત કાયમ માટે મુકાઈ જાત.
અમરતાનો આશીર્વાદ ગરીબો, રોગીઓ અને દુઃખી માણસો માટે તો મોટામાં મોટો શાપ બની રહેત. તેમને જીવનની ઘાણીમાંથી ક્યારેય કબરની શાંતિ ન સાંપડત. ડૉક્ટરોનું મહત્ત્વ પણ ઘટી જાત. મરવાનો ભય ન હોવાથી કાયરો પણ જરૂર પડ્યે યુદ્ધને મોરચે ખડા થઈ જાત. પછી કોઈને કોઈની દયા ન આવત અને કોઈ કોઈની મદદ ન કરત. જૂના લેખકો, કવિઓ, કલાકારો વગેરે પોતાની પ્રચંડ શક્તિના પ્રતાપે કાયમ ચમકતા હોત અને નવાઓને ક્યાંય સ્થાન ન હોત. પછી ન તો કોઈ શોકસભાઓ થાત કે ન તો કોઈ કરુણ- પ્રશસ્તિ લખાત. દેશભક્તોની કુરબાનીઓની કથા પણ સાંભળવા ન મળત. સ્મશાન અને કફનનું સમાજમાં કોઈ અસ્તિત્વ જ ન હોત. જગતમાં ધર્મોનો સર્વનાશ થાત.
ખરેખર, જો મનુષ્ય અમર હોત તો ઘણી બધી દ્વિધાઓનાં જંગલો સર્જાત, ઘણાંબધાં સુંદર અને કલ્યાણકારી તત્ત્વો નામશેષ થઈ જાત. પરિણામે અમર બનીને પણ માનવી મૃત્યુથી પણ બદતર જીવન જીવત.
Read also:
COMMENTS