Essay on A Journey by Train in Gujarati Language: In this article "ટ્રેન દ્વારા મુસાફરી પર નિબંધ", "Train Musafari Gujarati Nibandh"for students.
Essay on A Journey by Train in Gujarati Language: In this article "ટ્રેન દ્વારા મુસાફરી પર નિબંધ", "Train Musafari Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "A Journey by Train", "ટ્રેન દ્વારા મુસાફરી પર નિબંધ" for Students
અંગ્રેજ સરકારે હિંદની પ્રજા પર બે મહાન ઉપકાર કર્યા છે : અંગ્રેજી કેળવણી વડે વિશ્વના જ્ઞાન-વિકાસની ક્ષિતિજોનો પરિચય કરાવ્યો અને ભારતમાં ઘણા લાંબા અંતરની રેલવે-લાઇનો નાખીને પ્રવાસની અજોડ સગવડ કરી આપી. આજે એક નવી રેલવે-લાઇન નાખવી અથવા નાની લાઇનને બ્રોડગેજમાં ફેરવવી હોય તો ય એને ઘણાં વર્ષો વીતે છતાં કામ અધૂરું રહે છે. એ જ પુરવાર કરે છે કે ભારતની રેલવે અંગ્રેજોનો એક મોટો ઉપકાર છે. પહેલાં રેલવેમાં ત્રણ વર્ગ હતા : પહેલો, બીજો અને ત્રીજો. પરંતુ છેલ્લાં કેટલાક દાયકાઓથી આપણી સરકારે ત્રીજો વર્ગ નાબૂદ કરીને ફક્ત બે વર્ગ રાખ્યા - પહેલો અને બીજો. ગરીબ જનતાને જાણે ત્રીજા વર્ગમાંથી બઢતી આપીને બીજા વર્ગમાં મૂકી આપી ! સવલત તો હતી તેવી અને તેટલી જ રહી. વર્ગનો નંબર બદલાયો અને ભાડામાં વધારો થયો તે છોગાનો ! છે ને ભારતીય રેલવેની બલિહારી !
ટૂંકા અંતરના પ્રવાસ માટે હું સ્કૂટર કે બસ વધુ પસંદ કરું. છતાં મારા નસીબે એક વખત પેટ્રોલના ભાવવધારા સામે રિક્ષા, ટેક્સી ને બસ બધું જ બંધ થતાં મારે નાછૂટકે રેલવેની યાત્રાનો લાભ લેવો પડ્યો. એક તો વેકેશનનો સમય અને તેમાંય બસની હડતાલ, પછી યાત્રાનો તાલ બગડે તેની શી નવાઈ! પણ અગત્યનું કામ ના બગડે તેથી રેલવે જ પસંદ કરવી પડી.
સ્ટેશને ટિકિટ લેવા ગયો ત્યારે વિચારતો હતો : ઘણા દિવસે ગાડીમાં જાઉં છું ને વળી ગિરદી પણ ઘણી છે; એટલે પ્રથમ વર્ગની ટિકિટ લઈને લહેરથી ગાડીમાં જઈશું. લાઇનમાં જોડાઈને ઑફિસની બારી સુધી પહોંચ્યો ત્યારે મારો નશો ઊતરી ગયો. ક્લાર્કે કહી દીધું: “સાહેબ, પ્રથમ વર્ગની ટિકિટો નથી, બીજા વર્ગની લઈ લો.’ હું કંઈ પૂછું, એ પહેલાં તો પેલાએ “ખટાક અવાજ સાથે મશીનમાંથી ટિકિટ કાઢીને મારી સામે પતાકડું ફેંક્યું. હું ઇન્કાર કરી ન શક્યો. ટિકિટ લઈને પ્લેટફોર્મ તરફ જતો હતો, ત્યાં દરવાજે ટિકિટના દર અને ગાડીના સમય લખ્યા હતા. જિજ્ઞાસાથી મેં નજર ઠેરવી. મારું આશ્ચર્ય વધ્યું. લોકલ કરતાં ઍક્સપ્રેસ ગાડીનું ભાડું બમણું અને પ્રથમ વર્ગનું તો ચારગણું વધારે. ભલું થજો પેલા બૂકિંગ ક્લાર્કનું કે મને ભાન કરાવ્યું. હું કિંગ (રાજા) નથી, સામાન્ય યાત્રી છું. મને પ્રથમ વર્ગ ન પરવડે. ગાડીના સમયની ખાતરી કરીને પ્લેટફોર્મ પર દાખલ થતાં જ પાટિયામાં વાંચ્યું : “લોકલ ત્રણ કલાક મોડી છે...... એક તરફ ગુસ્સો આવ્યો ને બીજી તરફ રેલવે લાઇન પર દોટ મૂકવાનું મન થયું લોકલ ભલે મોડી હોય, હું જાતે સમયસર પહોંચીશ.
મારા મિત્રે મને અટકાવ્યો. ટોળટપ્પાં મારતાં સમય પસાર કરતા હતા ત્યાં જ ગાડી આવી. ત્રણ કલાકને બદલે ત્રીસ જ મિનિટ આ ગાડી મોડી હતી, એથી આનંદ સાથે ડબ્બામાં ઘૂસ્યો. ટ્રેન રવાના થઈ ત્યારે જાણ્યું કે ત્રણ કલાક મોડી છે એ ગાડી તો રદ થઈ અને હું બેઠો છું તે તો ગઈ કાલે નહીં આવી શકેલી ટ્રેન આજના સમય કરતાં માત્ર ત્રીસ મિનિટ જ મોડી છે....!
ગાડીએ ગતિ પકડી અને સાથે ફેરિયાઓએ પણ ગતિ પકડી. ચિક્કાર ભીડમાં બેસવાનું તો મળે જ નહીં ધક્કામુક્કીમાંય ચડી શકાયું તે પૂરતું હતું. એમ માનીને ઊભા ઊભા મુસાફરી કરતો હતો. ઠંડાં પાણી અને પીણાં, ખારી સીંગથી માંડી બધી જાતની ખાદ્ય વાનગી વેચનારા તથા દ્રાક્ષ અને કેળાંથી માંડી વિવિધ ફળ વેચનાર ફેરિયાઓની અવરજવર વચ્ચે હું તો સાવ રહેંસાઈ રહ્યો હતો.
આવી ગિરદીમાં એક બાઈ એના આઠેક વર્ષના બાબાને ઊંચકીને આવી. દિકરાને બાથરૂમ જવું હતું, પણ ત્યાં સુધી પહોંચાય તેમ નહોતું. એની મૂંઝવણ પામીને બારી પાસે બેઠેલા એક યુવાને મદદ કરતાં કહ્યું: “લાવો, તમારા બાબાને, હું અહીંથી....' મને થયું, હે પ્રભુ! ક્યારે હું મારા સ્થાને પહોંચીશ? સ્ટેશન આવ્યું, ગાડી અટકી.... ઍન્જિન બગડ્યું હતું. મેં બારણા તરફ જવા માંડ્યું. ત્યાં ભીડનો એવો તો ધક્કો આવ્યો કે ન પૂછો વાત ! મને આજે પણ ખબર નથી પડી કે ડબ્બામાંથી હું ઊતર્યો કે લોકોએ મને ઉતારી મૂક્યો !
COMMENTS