Essay on Heavy Rainfall in Gujarati Language : In this article " અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી ", " વર્ષાનું તાંડવ નિબંધ ગુજરાતી ...
Essay on Heavy Rainfall in Gujarati Language: In this article "અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી", "વર્ષાનું તાંડવ નિબંધ ગુજરાતી", "Ativrushti Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Heavy Rainfall", "અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી" for Students
ભગવાન શંકરે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરીને વિનાશક ભયંકરતાનો પ્રભાવ પ્રસારતું જે નૃત્ય કર્યું હતું એને શાસ્ત્રોમાં શિવજીનું તાંડવનૃત્ય કહેવાયું છે. સમય જતાં અતિ ભયાનક અથવા વિકરાળ દેખાવ ધારણ કરતા કાર્ય કે વસ્તુપદાર્થ માટે તાંડવ શબ્દ વપરાવા લાગ્યો. આમ તો સામાન્ય રૂપમાં વર્ષો જગતની સૌથી માનીતી ઋતુ છે. પરંતુ અતિવૃષ્ટિના સમયમાં વર્ષોનું તાંડવ જે રૌદ્ર રૂપ ધારણ કરે છે તે જોઈને કઠણ કાળજું ધરાવનાર માણસો પણ કંપી ઊઠે છે. આપણા રાજ્યમાં સને ૧૯૭૩, ૧૯૮૫ અને ૧૯૮૯નાં વર્ષોમાં થયેલા અતિ ભારે વરસાદથી સર્જાયેલી તારાજી આપણે સૌએ જોઈ છે. મોરબીનો બંધ તૂટતાં જે કરુણ હોનારત સર્જાઈ હતી એ આપણી પ્રજા ક્યારેય ભૂલી ન શકે તેટલી આઘાતજનક અને ભયાવહ છે.
આપણા ચોમાસાના બે માસમાં ભારે વરસાદ થતો હોય છે. વર્ષાનો આરંભ થાય છે તે આષાઢ અને વિદાયનો સમય ભાદરવો ભારે વરસાદનો અનુભવ કરાવે છે. આષાઢની આવી એક રાતે વાદળોના ભારે ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વર્ષારાણી પોતાની નાજુક નજાકત છોડીને જાણે વીફરેલી વાઘણ બની હોય તેવું વિકરાળ રૂપ લઈને આજે આવી હતી. ઘનશ્યામ વાદળોએ ચંદ્રને સંતાડી દીધો હતો એથી સર્વત્ર અંધકારનું સામ્રાજય ફેલાયું હતું. વેગીલો પવન અને વીજળીનો ચમકાર જોરદાર વરસાદને વધુ બિહામણો બનાવી રહ્યા હતા. ક્યારેક માનવજાતની મજાક કરતો હોય કે ધરતીને પ્રેમનાં અડપલાં કરતો હોય એમ વરસાદ થોડી વાર ધીમો થઈ જતો. આપણને લાગે કે હાશ ! હવે વરસાદ ગયો. હજુ આમ વિચારતા હોઈએ ત્યાં તો પાછો બમણા વેગથી વરસાદ તૂટી પડતો. આવા સમયે આપણે વરસાદના વેગ કે રૂપને સમજી શકતા નથી.
ગાંડા થઈને વરસેલા મેઘે ધરતી પરનાં બધાં જળાશય છલકાવી દીધાં. નાનાં ગામનાં તળાવો ઊભરાયાં, શહેરનાં સરોવર તરબતર થઈ ગયાં. નદીઓ કાંઠા તોડીને વહેવા લાગી. સમુદ્રને મળવાની દિશા ભૂલીને બહાવરી બનેલી નદીનાં પાણી આસપાસનાં ગામોમાં ધસી ગયાં. પરિણામે ખેતર, ઘર અને સીમ બધે જળબંબાકાર થઈ ગયું. પવનના વેગ અને મુશળધાર વર્ષાને કારણે કદી મર્યાદા ન છોડના દરિયાએ પણ આ વખતે પોતાની મર્યાદા તોડી. એથી આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસી ગયાં. પોતાના લાંબા કાળા વાળ છૂટા મૂકીને ધૂણતી ડાકણની જેમ વીફરેલી વર્ષા ચારે કોર બસ પાણી પાણી જ ફેરવી રહી છે.
જરૂર હોય તો પાણી પશુપ્રાણી, માનવ અને વનસ્પતિને પોષક બને છે, પરંતુ જરૂરથી વધારાનું આ પાણ તો સમગ્ર પૃથ્વી માટે પૂરું વિનાશક બની ગયું. સુસવાટા સાથે જોરદાર ઝાપટાં પડતાં કેટલાંક માટીનાં ઘર ને ઝૂંપડાં ધરાશાયી થઈ ગયાં. ખેતરોમાં ફરી વળેલાં પાણીએ બિયારણ નષ્ટ કર્યું. ધસમસતા પાણીએ કાળો કેર વર્તાવ્યો. ગામના ફળિયા અને શહેરની શેરીમાં ધસમસતા પાણીએ કેટલાયની ઘરવખરી ઝપટમાં લીધી. રસ્તા પરનાં ઝાડ મૂળમાંથી ઊખડ્યાં. આટલું ઓછું હોય તેમ કેટલાંક બાળક, વૃદ્ધ ને અપંગ માનવદેહની સાથે મૃત પશુઓને તણાઈ રહેલાં જોવાની લાચારી બચેલા માનવોને જીવનની નિરર્થકતાનો અનુભવ કરાવતી હતી.
દરેક સ્થિતિનો કોઈ એક અંત નિશ્ચિત હોય છે, એમ વર્ષાના તાંડવનો પણ અંત આવ્યો. બીજા દિવસે સવારે સૂર્ય ઊગ્યો ત્યારે વાદળો વિખરાઈ રહ્યાં હતાં. ધસમસતાં પાણી ઓસરતાં વર્ષાએ વેરેલા વિનાશના અવશેષની જેમ જ્યાંત્યાં મૃતદેહ, તૂટેલા ઝાડ તથા ઘસડાઈને આવેલી ઘરવખરી જોવા મળતી હતી. રાતે દારૂડિયાએ જાતે કરેલા તોફાનની સવારે તેને જાણ થતાં શરમથી સંકોચ પામે એમ આછા ફોરાથી વિદાય થતી વર્ષા શરમાઈ રહી હતી.
COMMENTS