Maru Priya Pustak Essay in Gujarati : In this article " મારુ પ્રિય પુસ્તક નિબંધ ", " મારો પ્રિય ગ્રંથ નિબંધ ગુજરાતી ", ...
Maru Priya Pustak Essay in Gujarati: In this article "મારુ પ્રિય પુસ્તક નિબંધ", "મારો પ્રિય ગ્રંથ નિબંધ ગુજરાતી", "Essay on My favourite book in gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Favourite Book", "મારુ પ્રિય પુસ્તક નિબંધ", "મારો પ્રિય ગ્રંથ નિબંધ ગુજરાતી" for Students
॥ 'सर्व रम्यमनित्यतामुपगते चित्ते न किंचित्पुनः' ॥
એમ કહીને કવિ ભર્તુહરિ સૂચવે છે કે સર્વ રમ્ય રુચિકર) વસ્તુઓ નિત્ય હોવાથી, માણસના વિચારશીલ હૃદયને વસ્તુની અનિત્યતાની કલ્પના હચમચાવી મૂકે છે. તમને શરીર ગમે છે, તે નાશવંત છે. પત્ની અને પુત્ર ગમતાં હોય તો એનો વિયોગ થવાનો છે. મોટાં મકાન કે અલંકાર ગમે તો એ પણ ક્યારેક છૂટવાનાં જ છે. આમ બધું જ અનિત્ય હોય તો પછી પ્રિય શું? કશું નહીં? ના, એમ પણ નથી. તમારી લાગણીઓ, સંસ્કાર અને વિચારો કોઈ એક વસ્તુ કે પદાર્થ પ્રત્યે તમારી રુચિ જગાડે છે, જોડે છે ને તેને અભિવૃદ્ધ કરે છે. જાણ્યે-અજાણ્ય કોઈ પ્રિય પદાર્થ તમારા રુચિતંત્રની પ્રસન્નતામાં ઉમેરો કરે છે. દરેક વ્યક્તિ જો પોતાના અંતરમાં ડોકિયું કરશે તો એને પોતાની સર્વથી વધુ પ્રિય વસ્તુનું જ્ઞાન થશે. આવી આંતરિક મથામણ મને એમ કહેવા પ્રેરે છે કે મારું પ્રિય પુસ્તક છે મહાત્મા ગાંધીરચિત આત્મકથા અથવા “સત્યના પ્રયોગો.'
મોહનદાસ કરમચંદ ગાંધી નામનો એક સામાન્ય માનવી કેવી રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બની શક્યો તેનો ખ્યાલ મેળવવા તેમની આત્મકથા “સત્યના પ્રયોગો' દરેક ગુજરાતી અને હિંદવાસીએ વાચવી જોઈએ. એમના જીવનઘડતરનો પરિચય લેખકના શબ્દોમાં વર્ણવતું પુસ્તક છે. લેખક તરીકે એમનો સૌથી ઉત્તમ ગુણ એ જોવા મળે છે કે પોતાની કથામાં પોતાની મહત્તા કે સ્વાભિમાનનાં ગાણાં ગાયા વિના, પોતાના જીવનના ગુણદોષ અને ચડતી પડતી તથા સારી નરસી બધી બાબતોને પ્રામાણિકપણે જેમ છે તેમ સીધેસીધા રૂપમાં એમણે રજૂ કરી દીધી છે. જીવનમાં સત્ય, અહિંસા, અસ્પૃશ્યતાનિવારણ અને ગ્રામોદ્ધાર જેવાં જે વ્રતનિયમ તેમણે સ્વીકાર્યા હતાં, એ માટે સતત સંઘર્ષ કરતા રહ્યા. પોતાની ટેકમાંથી ક્યારેય ચલિત નથી થયા, ઝૂક્યા નથી કે સમાધાન કર્યું નથી. એમની આ રસિક આત્મકથા ગુજરાત અને હિંદના કરોડો વાચકોને પ્રેરણા આપે તેવી રસપ્રદ બની છે. સમગ્ર પુસ્તકનો આસ્વાદ એક અનેરો લહાવો છે. તેથી થોડી વિશિષ્ટ બાબતોને મારે અહીં દર્શાવવી છે.
આ આત્મકથાના આરંભમાં લેખકે પોતાના બાળપણનાં સ્મરણોથી કર્યો છે. ગાંધીજી નાનપણમાં એક સામાન્ય અને શરમાળ બાળક હતા. ઉત્તર વયમાં શસ્ત્રસજ્જ અંગ્રેજ સલ્તનત સામે નીડરતાથી અહિંસક લડત લડનાર આ મહાપુરુષ બાળવયમાં એક ડરપોક છોકરો હતો, એ હકીકત એમણે નિખાલપણે નોંધી છે. રામ' નામથી એનો ડર દૂર થયાનો પ્રસંગ પ્રેરક બન્યો છે. યુવાન વયમાં વકીલાત કરતા સામાન્ય વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી એક કેસ લડવા આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે રંગભેદની નીતિના વિરોધમાં સત્યાગ્રહ કર્યો. એમની એ લડત સફળ જતાં જ જગતની રાજકીય ક્ષિતિજે એક યુગપ્રવર્તક નેતા તરીકે ગાંધીજીનો ઉદય થયો. સમય જતાં ગાંધીજીએ આફ્રિકાથી હિંદ આવીને આ દેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. સદીઓથી રિબાતી ભારતની પ્રજાને પોતાનાં દુઃખદર્દ નિવારનાર ખરા અંતઃકરણથી કટિબદ્ધ થયેલો પ્રખર લોકનેતા મળ્યો. દેશની પ્રજાની ગરીબી જોઈને દ્રવી ગયેલા ગાંધીજીએ પોતાના શરીર પરનાં વધારાનાં વસ્ત્રો ત્યાગીને માત્ર એક લંગોટી અને ધોતિયું અપનાવ્યું, જે મૃત્યુ પર્યત એમનો પોશાક બની રહ્યો.
આફ્રિકામાં અંગ્રેજ સરકાર સામે જીત્યા પછી હિંદમાં વર્ષોથી પડ્યાપાથર્યા રહેલા અંગ્રેજોને હટાવવા ગાંધીજીએ ભારતની આઝાદીની લડતનું મંડાણ કર્યું. સતત ત્રણેક દાયકાના એમના નેતૃત્વ હેઠળ ચાલેલા સત્યાગ્રહ અને અહિંસક આંદોલનથી છેવટે હિંદને આઝાદી મળી. એક નિઃશસ્ત્ર અને અહિંસક સૈનિકની સામે જગતની એક મહાસત્તાએ ઝૂકવું પડ્યું. આ રાજકીય લડતની સાથોસાથ ગાંધીજીએ ભારતના લોકજીવનમાં ઘર કરી ગયેલાં અનિષ્ટો દૂર કરવા પણ જેહાદ જગાવી. અછૂતોદ્ધાર અને દારૂબંધીની એમની વિચારણા સમાજના ઉત્થાન માટે ઉપયોગી બની રહી. ગ્રામોદ્ધાર, ખાદીપ્રચાર અને સર્વધર્મસમભાવના તેમણે આપેલા આદર્શો ભારતની પ્રગતિમાં પ્રાણ પૂરતા હતા. હિંદુ-મુસ્લિમ એકતા અને સ્ત્રીશિક્ષણ માટે પણ તેમણે અથાગ પ્રયાસો કર્યા હતા.
સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ સાદી, સરળ ભાષાનો પ્રયોગ કરીને શીલ તેવી શૈલી' સૂત્રને સાર્થક કર્યું છે. તેમનો દેહ જેમ નિરાલંકાર હતો, એમ તેમની ભાષા અલંકારરહિત છે. તેમનું વ્યક્તિત્વ સત્યનિષ્ઠા, સાદાઈ, નમ્રતા અને અહિંસા જેવા ગુણોથી સમૃદ્ધ હતું, એ બધા ગુણો એમની ભાષાશૈલીમાં ઓતપ્રોત થયા છે. આત્મકથા લેખકની પોતાની બડાશ હાંકવા નહિ, સત્યની શોધ અને પ્રતિષ્ઠા કરવા લખાઈ હોવાનો વિનમ્ર સંકેત લેખકે ગ્રંથના નામમાં કર્યો છે. આવા સત્યના પ્રયોગો’ ભારતની પ્રજાને સનાતન પ્રેરક બનશે. આવો ગ્રંથ મારી જેમ ઘણાને ગમે તેવો છે.
COMMENTS