Essay on Vasant Ritu in Gujarati Language : In this article " ઋતુરાજ વસંત નિબંધ ગુજરાતી ", " વસંત નો વૈભવ નિબંધ ગુજરાતી ...
Essay on Vasant Ritu in Gujarati Language: In this article "ઋતુરાજ વસંત નિબંધ ગુજરાતી", "વસંત નો વૈભવ નિબંધ ગુજરાતી", "Vasant no vaibhav gujarati nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Vasant Ritu", "ઋતુરાજ વસંત નિબંધ ગુજરાતી", "વસંત નો વૈભવ નિબંધ" for Students
રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો;
તરુવશે એ ઉપકાર કીધો,
જાણે મજાનો શરપાવ દીધો.
પ્રકૃતિના પરિવર્તનની ઓળખ મેળવવા દરેક સમયખંડને અપાયેલું નામ એ ઋતુ છે. અંગ્રેજી કેલેન્ડરમાં ચાર ઋતુ (સમર, વિન્ટર, રેઇન, ઑટમન) છે. દેશી ત્રણ (શિયાળો-ઉનાળો-ચોમાસું), અને હિન્દુ પંચાંગ શરદ, હેમંત, શિશિર, ગ્રીખ, વસંત અને વર્ષો એમ છ ઋતુ ગણાવે છે. ઋતુસંખ્યા ભલે વત્તીઓછી હોય, બહુધા મુખ્ય ઋતુઓ અને તેની સાર્વત્રિક અસરો સર્વસામાન્ય હોય છે. વર્ષભરની બધી ઋતુઓમાં સૌથી વધુ ઉત્તમ, સુખકર અને સર્વપ્રિય ઋતુ વસંત હોવાથી એને ઋતુઓનો રાજા ગણવામાં આવે છે. પાનખર પૂરી થતાં પોષના અંતે અથવા જાન્યુઆરીના આરંભમાં વસંત જામવા માંડે છે. ઊતરતી ઠંડી અને મોહક ગરમીને લીધે વસંતમાં વાતાવરણ સમશીતોષ્ણ રહેતું હોય છે. પરિણામે આ ઋતુમાં બાળકો, યુવાનો અને વૃદ્ધ સર્વના જીવનમાં જાણે એક નવા ચેતનનો અનુભવ થતો જણાય છે.
વસંતનું આગમન પ્રકૃતિમાં નવચેતનાનો સંચાર કરે છે. શિશિરમાં છીનવાયેલી વનરાજીનો વૈભવ નવલાં રૂપ, રંગ, અને પરાગ લઈને વનઉપવનમાં પાછો દષ્ટિગોચર થાય છે. ધરતીની વનશ્રી સોહામણો શૃંગાર ધારણ કરે છે. વસુંધરા અંગડાઈ લઈ બેઠી થાય છે. એના અણુઅણુમાં ચેતના અને પ્રસન્નતા પ્રગટે છે. અંગેઅંગ જાણે નૃત્ય કરતું હોય એમ લાગે છે. વસંતના આવા તાજગીભર્યા આગમન સાથે પ્રકૃતિમાં જાણે આનંદની લહેર ફેલાઈ જાય છે. સૃષ્ટિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંતની પધરામણીને આમ્રકુંજમાં બેઠેલી કોયલ મધુર ટહુકારથી વધારે છે. લાલઘૂમ કેસૂડો જાણે કુમકુમથી વસંતને સત્કારે છે. જૂઈ, મધુમાલતી અને મોગરા જેવાં વિવિધ પુષ્પોથી વાતાવરણ પ્રફુલ્લિત બને છે. આ ફૂલોની સૌરભ સાથે વહેતી વાયુ માદક હોય છે. પ્રેમીઓને માટે તે માહક બની રહે છે.
પાનખરમાં પ્રકૃતિ જીર્ણ વસ્ત્રો ત્યાગે છે, તો વસંતમાં નવાં ધારણ કરે છે. ઉજ્જડ વૃક્ષો પર નવી કુંપળો ફૂટે છે, જેથી આ તરુવર વધુ સુશોભિત બને છે. આંબા ઉપર મંજરીઓ મહોરી ઊઠે છે. છોડ પર રંગબેરંગી પુષ્પોની બિછાત પ્રસરતી દેખાય છે. કદરૂપા જણાતા ખાખરા કેસૂડાથી ઝૂમી ઊઠે છે. સર્વત્ર ફેલાયેલી લીલોતરી વસંતનો પૂરો પ્રભાવ પ્રસરાવી દે છે. આ નવી ત્રઋતુનું આગમન ચારે બાજુ ચેતનાનો સંચાર કરે છે. આથી વસંતને નવસૃજનની ઋતુ ગણવામાં આવે છે. પ્રકૃતિ પોતાનું સમગ્ર સૌંદર્ય, સૌરભ અને ચેતન મનભરીને ઠાલવી દે છે. વસુંધરાનું આવું અનુપમ સૌંદર્ય વર્ષની અન્ય કોઈ ઋતુમાં પ્રગટતું ન હોવાથી શ્રેષ્ઠ એવી વસંતને કવિઓ “ઋતુરાજ' કહે તેમાં અતિશયોક્તિ નથી.
સામાન્ય પ્રજા વસંત પ્રત્યે બેધ્યાન હોય છે. ત્યારે કવિઓ અને યુવાનપ્રજા વસંત પ્રત્યે ખૂબ સભાન હોય છે. વસંત તો કવિઓની પ્રિય ઋતુ છે. વસંતનું આગમન કવિચિત્તને આંદોલિત કરીને નવા સર્જન પ્રત્યે પ્રેરે છે. આ ઋતુનો વૈભવ જોઈને મુગ્ધ થતા ચિત્રકારો પણ અવનવાં ચિત્રો દોરે છે. યુવાન નરનારીઓનાં હૈયાને હચમચાવતી ઋતુ વસંત છે. માત્ર પ્રકૃતિ કે પશુપક્ષી જ નહીં, માનવો ઉપર પણ વસંતનો અનેરો જાદુ પથરાય છે. વસંતનું માદક વાતાવરણ યુવાન હૈયાંઓને ઘેલાંઘેલાં કરી મૂકે છે. પ્રણયમુગ્ધ નરનારીઓ ઉલ્લાસભેર ફાગ ખેલે છે. ફાગણનો વાયુ વનમાં એમ પ્રજાજનમાં પણ પ્રસરી રહે છે. જનપદોમાં કે નગરોમાં સર્વત્ર જુદી જુદી રીતે વસંતોત્સવો યોજાય છે. પોતાની મનગમતી રીતે સૌ વસંતને વધાવે છે. “વસંતવિલાસ'નું આપણા એક અજ્ઞાત કવિનું ફાગુકાવ્ય યુવાનોના વસંતોત્રોવનો સુંદર પરિચય આપે છે. હોળી-ધુળેટી જેવા ઉત્સવ વસંતના ચેતન અને પ્રેરણાનું પરિણામ છે. અબીલગુલાલ અને વિવિધ રંગોમાં છાંટીઘૂંટાઈને નરનારીઓ તથા ભૂલકાંઓ પણ રંગાઈ જાય છે. અંતરના ઉમંગની આનંદદાયક અભિવ્યક્તિ આથી વધુ સુંદર બીજી કઈ હોઈ શકે !
COMMENTS