Essay on My Ambition in life in Gujarati Language : In this article " મને શું થવું ગમે નિબંધ સમાજસેવક ", " મારી મહત્વાકાંક્ષા...
Essay on My Ambition in life in Gujarati Language: In this article "મને શું થવું ગમે નિબંધ સમાજસેવક", "મારી મહત્વાકાંક્ષા નિબંધ ગુજરાતી", "Mane Shu Thavu Game Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Ambition in life", "મને શું થવું ગમે નિબંધ સમાજસેવક", "મારી મહત્વાકાંક્ષા નિબંધ ગુજરાતી" for Students
જગતમાં મહાન થયેલા માણસોના જીવનમાં ડોકિયું કરતાં પ્રથમ દૃષ્ટિએ એક વાત સ્પષ્ટ જોવા મળશે કે તે દરેક વ્યક્તિ શરૂઆતમાં તો એક સામાન્ય માનવી જ હતી; પરંતુ જીવન પ્રત્યે જાગ્રત થતાં જ તેણે પોતાના ભવિષ્ય માટે એક ધ્યેય નક્કી કરી લીધું. નિશ્ચિન કરેલું આ ધ્યેય એમની મહત્ત્વાકાંક્ષા બની ગઈ. કહેવતમાં સાચું જ કહ્યું છે કે વ્યય વનાનું જીવન તે સુકાન વિનાની નાવ જેવું છે. ધ્યેય આપણા જીવનને દિશા અને ગતિ આપે છે. જીવનને સાર્થક બનાવવા માટે દરેક માનવે કોઈ એક ધ્યેય નક્કી કરવું જોઈએ. પછીથી આ ધ્યેયની પ્રાપ્તિ માટે સંકલ્પથી શ્રમ કરતાં એ મહત્ત્વાકાંક્ષા સાકાર બને છે. મહાન બનવાની સીડીનું પ્રથમ પગથિયું છે મહત્ત્વાકાંક્ષા. મારા જીવનને સાર્થક બનાવવા મેં પસંદ કરેલું ધ્યેય છે એક આદર્શ સમાજસેવક બનવાનું. હા, મારી મહત્ત્વાકાંક્ષા છે કે હું આદર્શ સમાજસેવક બનું.
પહેલી નજરે મારી આ વાત ઘણાને સાવ તુચ્છ અને કદાચ ઠેકડી ઉડાવવા જેવી પણ લાગશે. આજના અર્થલક્ષી અને સત્તા-વૈભવ તરફ દોટ મૂકતા લોકોની નજરમાં સમાજસેવકની શી વિસાત? એનો શો મોભો ? ધન, સત્તા અને પ્રતિષ્ઠા વિનાની સમાજસેવકની જિંદગીમાં શું સુખ કે રોનક? સમાજ જો કે આમ વિચારે તે એનો હક્ક છે. સેવાના નામે મેવા ખાનારા કહેવાતા ઢોંગી સમાજસેવકોના દુરાચારથી ત્રાસીને કદાચ સમાજ એમને હીન દૃષ્ટિએ જોતો હોય તો એ કારણ પણ વાજબી જ છે. આમ છતાં હું સમાજસેવક બનવાની ઇચ્છા ધરાવું તો એની પાછળ મારાં થોડાં કારણો છે. મારી ધ્યેયપસંદગી કોઈ તરંગ નથી, તેના વિશે હું સ્પષ્ટ સમજ ધરાવું છું.
મારું બાળપણ એક સંયુક્ત કુટુંબમાં વીત્યું હતું. મારા દાદા સાથે રમવા, ફરવા અને વાતો સાંભળવામળતાં મને દાદાજી બહુ ગમતા. સવાર-સાંજ મને તેમની સાથે બહાર જવાનું થતું ત્યારે હું જોતો કે ઘરમાં કાંઈ લાવવાનું હોય, પડોશમાં કોઈનું કામ હોય, ગામમાં કોઈ માંદું હોય કે ગામમાં કોઈને ત્યાં મહેમાન પધારે, તે બધાંને ઘેર દાદાજી જતા. સૌનાં નાનાંમોટાં કામ કરતા. આમ બાળપણથી મને જનસેવાના સંસ્કારો મળ્યા હતા.
શાળા-કોલેજમાં ભણતાં મને થયું કે “જનસેવા એ જ પ્રભુસેવા છે તે સૂત્ર ખોટું તો નથી જ. સંસ્કાર સાથે શિક્ષણ ભળતાં મારા જીવનનું ધ્યેય મેં નક્કી કર્યું કે યુવાન થઈને હું સમાજસેવક બનીશ. એ ધ્યેય હાંસલ કરવા મેં ગ્રામસેવકની તાલીમ લીધી. ગામડાંના અબુધ પ્રજાજનોનાં ખેતી અને રોજિંદા જીવનમાં મદદરૂપ થવાનો મારો સંકલ્પ સિદ્ધ કરવા હું કટિબદ્ધ છું. મને ખબર છે કે આ કામથી મને આર્થિક રીતે ઝાઝો ફાયદો નહીં થાય. વળી બધા મને માનની નજરે ન જોતાં તુચ્છકારશે પણ ખરા ! જો કે, મેં આવાં માનપાનની આશા નથી રાખી.
સમાજની સેવા કરનારે ઘણું સહન કરવાનું હોય છે. લોકનિંદાનો સામનો કરવો પડશે. કદાચ પ્રામાણિકતા ડૂબે ને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થશે. નેતા થવાની તાલીમ લેવાની મેં સારી શરૂઆત કરી છે એવી ટીકા પણ થવાની. વળી જનસેવાના કારણે કુટુંબસેવામાં કચાશ રહેશે તો સ્વજનોય નાખુશ થશે. આ બધાં ભાવિ દુઃખો સ્વીકારવા માટે મેં મારા મનને સજ્જ કર્યું છે. એટલે મને વિશ્વાસ છે કે હું મારા પંથમાં ડગીશ નહિ, ધ્યેય સિદ્ધિ કરીને જ જંપીશ.
સમાજમાં કેટકેટલા લોકો દુઃખી હોય છે! કોઈ રોગી હોય તો કોઈ અપંગ, કોઈ ગરીબ હોય તો કોઈ નિરક્ષર, ધનિકને સંપત્તિના ઝઘડા તો ખેડૂતોને જમીનની તકરાર, કોઈને કુટુંબફ્લેશ તો કોઈને સંતાનસુખનો અભાવ, કોઈ શ્રમજીવીનું શોષણ થાય તો ક્યાંક સ્ત્રીઓનું શોષણ, ભ્રષ્ટાચાર, લાગવગ, ગુંડાગીરી, ત્રાસવાદ અને અન્યાયી જુલમો સામે રિબાતા સમાજનાં દુઃખોની વણજારનો પાર આવે તેમ નથી. આવા દુઃખીઓને દિલાસો આપી શકાય, કોઈનું નાનું કામ થઈ શકે કે કોઈને મદદ થાય તો એનાથી વધુ રૂડું શું? અલબત્ત, મારી પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી નથી અથવા હું કાંઈ ભગવાન પણ નથી કે બધાનાં દુઃખો એકલા હાથે જ દૂર કરી દઉં. પરંતુ મારી શક્તિ અને મર્યાદાઓમાં રહીને હું કોઈના જીવનમાં કાંઈ મદદરૂપ બની શકું તો મારી જાતને ધન્ય માનીશ.
મહાત્મા ગાંધી, વિનોબા ભાવે તથા જયપ્રકાશ નારાયણ જેવા આપણા દેશના મહાનુભાવોને આપણે લોકનેતા' તરીકે ઓળખીએ છીએ. પરંતુ તેમનાં કાર્યોના સૂક્ષ્મ અવલોકનથી પ્રતીત થશે કે તેઓએ કોઈ સત્તા-હોદા વિના એક આદર્શ સમાજસેવકનું કાર્ય કરી બતાવ્યું છે. એમની સેવાનો પરીઘ એટલો બહોળો હતો કે પોતાનું વતન, જિલ્લો અને રાજ્ય નહિ, સમગ્ર દેશની જનતાને માટે તેઓ સેવક બની રહ્યા. હું પણ તેઓની જેમ જનતા જનાર્દનની સેવા કરવા એક આદર્શ સમાજસેવક બનીશ. કદાચ આ વાંચીને આપને મારા કાર્યમાં રસ પડે તો તમને પણ મારા કાર્યમાં જોડાવા અંતરથી આમંત્રણ પાઠવું છું. મારી જેમ તમારી મહત્ત્વાકાંક્ષા વિશે તમે પણ આ ઘડીએ જ નિર્ણય લેશો.
COMMENTS