Essay on Lagvag ej laykat in Gujarati : In this article " લાગવગ એજ લાયકાત વિશે ગુજરાતી નિબંધ ", " Lagvag Ej Laykat Gujarati N...
Essay on Lagvag ej laykat in Gujarati: In this article "લાગવગ એજ લાયકાત વિશે ગુજરાતી નિબંધ", "Lagvag Ej Laykat Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Lagvag Ej Laykat", "લાગવગ એજ લાયકાત વિશે ગુજરાતી નિબંધ" for Students
આજના યુગનું સૌથી વધુ શક્તિશાળી ને સચોટ પરિબળ જો કોઈ હોય તો તે છે લાગવગ ! સહકાર કે પરોપકારની ભાવનાથી એકબીજાનાં કામ કરી આપવાની વૃત્તિમાં જ્યારે સ્વાર્થ કે લાલચનો અંશ ભળે છે ત્યારે માનવી પોતાનું ધાર્યું કામ પાર પાડવા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં “લાગવગ' નામનું આ અમોઘ “શસ' વાપરે છે. જ્યારે “સીધી આંગળીએ ઘી નહીં નીકળે” એમ લાગે છે ત્યારે માનવી પોતાની લાગવગરૂપી વાંકી આંગળી કામે લગાડી પોતાનું કામ કાઢી લે છે. લાગવગના જોરે તે બીજા પાસે ધાર્યું કામ કરાવી લે છે અને એ જ તરકીબથી પોતે પણ બીજાનાં કામ કરી આપે છે. આમ, આ સામાજિક દૂષણ, ખબર પણ ન પડે એ રીતે ફેલાતું જાય છે.
આજે તો વ્યક્તિની લાયકાતનો માપદંડ લાગવગ બની ગયો છે. જેની લાગવગ વધારે એની પસંદગી પહેલી ! હવે તો, “જ્યાં જ્યાં નજર મારી પડે લાયકાત લાગવગ આપની' એ સૂત્ર સાકાર બનતું જોવા મળે છે. નોકરી જોઈતી હોય કે છોકરી, બઢતી મેળવવી હોય કે બદલી કરાવવી હોય, ઘર ખરીદવું હોય કે વેચવું હોય, રેલવેમાં રિઝર્વેશન જોઈતું હોય કે સિનેમાની ટિકિટો જોઈતી હોય, પરીક્ષક બનવું હોય કે, પરીક્ષામાં પાસ થવું હોય, ચૂંટણીમાં ઉમેદવાર બનવું હોય કે પરદેશ જવાનો પાસપોર્ટ જોઈતો હોય, રાંધવાનો ગેસ જોઈતો હોય કે બેન્કમાંથી લોન લેવી હોય – ચારેકોર લાગવગ વિના પાંદડુંયે હાલતું નથી. કલાકો સુધી લાઇનમાં ઊભો રહેનારો નિરાશ થઈને પાછો જાય છે ત્યારે લાગવગવાળાને ઘેરબેઠાં ઇચ્છિત વસ્તુ આરામથી મળી જાય છે. જ્યાં શરીરબળ, મનોબળ, પૈસાબળ કે સત્તાબળ કામ નથી લાગતું ત્યાં લાગવગનું જોર કામ લાગે છે. સર્વગુણસંપન્ન ઉમેદવાર પાસે બધું હોય પણ જો લાગવગરૂપી લાઇસન્સ ન હોય તો એ કંચન હોવા છતાં કથીરના ભાવે કુટાય છે.
લાગવગ ન અપનાવો', “લાગવગને લાત મારો', “લાગવગને તિલાંજલિ આપો' - આવાં સુત્રો ને પોકારો સોહામણાં લાગે છે, પણ પ્રત્યક્ષ જીવનવ્યવહારમાં લાગવગનું દૂષણ એટલું ફૂલ્યુંફાવ્યું છે કે ન પૂછો વાત ! લાગવગનો આધારસ્તંભ મૂળમાંથી કાપી નાખવો જોઈએ. “લોઢાના ચણા ચાવવા જેવું એ દુષ્કર કામ છે. લાગવગના વ્યાપક સામ્રાજયમાં ભ્રષ્ટાચાર, અનીતિ, લાંચરુશવત, અહંકાર, અદેખાઈ વગેરે જેવાં અનિષ્ટો પાછળ પાછળ ચાલ્યા જ કરે છે ને પ્રામાણિકતા, સત્ય, આદર્શ, ન્યાય વગેરેનો ભોગ લેવાઈ જાય છે. જાહેરમાં સિદ્ધાંતની અને આદર્શની વાતો કરનારા પ્રજાના કહેવાતા સેવકો પાછલે બારણે પોતાનું કે પોતાના સ્નેહી સ્વજનનું ભલું કરવા “લાગવગરૂપી ચાવીનો પાણીના મૂલે ઉપયોગ કરતા હોય છે.
કહેનારે કાંઈ ખોટું નથી કહ્યું કે - લાગવગ તારા લાંબા પગ ! બુદ્ધિશાળી ને પ્રતિભાશાળી ઉમેદવાર નાપાસ જાહેર થાય અને શેઠનો સાળો મેનેજર બની જાય એવું આ દુનિયામાં ક્યાં જોવા નથી મળતું? લાગવગનો ઉપયોગ કરનારા પાકા “મનોવૈજ્ઞાનિક હોય છે. લાગવગ લગાડતાં પહેલાં એ ચારે બાજુનો વિચાર કરી લે છે. લાગવગરૂપી શસ્ત્ર ક્યારે, ક્યાં ને કેવી રીતે વાપરવું, કયા સંજોગોમાં કઈ વ્યક્તિને કોની મારફતે મળવું, કેવા શબ્દમાં ને કેવા અભિનયથી વાત કરવી ? આ બધું એમણે આત્મસાત્ કર્યું હોય છે. પરિણામે લાગવગ એક વિષચક્રની જેમ ફરતું ફરતું સમાજમાં નૈતિક મૂલ્યોને છિન્નભિન્ન કરી નાખે છે.
લાગવગ એ આ દેશની સૌથી મોટી બદી છે. એ તેજસ્વી યુવાધનને હતાશાની ખાઈમાં ધકેલી દે છે. લાગવગના જોરે અયોગ્ય અસમર્થ વ્યક્તિઓ ઊંચાં પદ પ્રાપ્ત કરે છે. આવી રીતે ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિ પછી પોતે જે રીતે આગળ વધી તે રીતે એટલે કેવળ લાગવગથી જ તમામ કામ કરવા પ્રેરાય છે. જેને પરિણામે એવી કચેરીમાં અપ્રામાણિકતા, અનીતિ, લાંચરુશવત, ભ્રષ્ટાચાર અને અન્યાય જેવાં દૂષણો ઘર કરી જાય છે. પછી તો કાગળ ઉપર “વજન' મૂક્યા વિના કોઈ કામ થતું નથી. વાતવાતમાં લાગવગનો લોભામણો માર્ગ ગ્રહણ કરનારા અને લાગવગથી જ તાકાત પર આગળ વધનારા તકસાધુઓ આજે આપણા દેશને કદી ભરપાઈ ન થાય એટલું બધું નુકસાન કરી રહ્યા છે. દેશનું કિમતી બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઈ રહ્યું છે. તેને માટે પણ લાગવગરૂપી સામાજિક દૂષણ જ જવાબદાર છે.
COMMENTS