Essay on Illiteracy in Gujarati : In this article " નિરક્ષરતા વિશે ગુજરાતી નિબંધ ", " નિરક્ષરતા સમાજનું અનિષ્ટ શિક્ષક નિબંધ ...
Essay on Illiteracy in Gujarati: In this article "નિરક્ષરતા વિશે ગુજરાતી નિબંધ", "નિરક્ષરતા સમાજનું અનિષ્ટ શિક્ષક નિબંધ ", "Niraksharta vishe Nibandh Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Illiteracy", "નિરક્ષરતા વિશે ગુજરાતી નિબંધ" for Students
વિશ્વના વિકસિત દેશોને જોઈશું તો એમની સમૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપતાં થોડાં પરિબળો જોવા મળશે. ભૌતિક સમૃદ્ધિ કે વિશાળ પ્રદેશ માત્રથી કોઈ દેશ વિકસી શક્યો હોય એવું આ પૃથ્વી પર ભાગ્યે જ દેખાશે. જાપાન એક વાર વિનાશના છેલ્લા પ્રહારથી નષ્ટપ્રાય થઈ ગયું હતું, છતાં આજે તે વિકાસની ટોચ પર સર કરી શક્યું છે. આ બધી બાબતો સૂચવે છે કે કોઈ પણ દેશનો સાર્વત્રિક વિકાસ એની પ્રજાના શિક્ષણ ઉપર રહેલો છે. શિક્ષિત પ્રજા પોતાના પ્રશ્નો સમજી શકે છે, એના યોગ્ય ઉકેલ શોધી શકે છે, પરસ્પર સમાધાન અને સંવાદથી જીવી શકે છે. એનાથી ઊલટું, નિરક્ષર પ્રજા ધરાવતો દેશ કદી વિકાસ સાધી શકતો નથી અને કદાચ વિકસવા માગે તો પણ વિકાસની તેની ગતિ ઘણી મંદ હોય છે.
ગરીબીની જેમ નિરક્ષરતા પણ એક મોટું સામાજિક અનિષ્ટ છે. અભણ પ્રજા હોય તે રાજ્યમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. આવા પ્રશ્નોના ઉકેલ હોતા નથી. ઉકેલ હોય તો એનો અમલ થતો નથી. પરિણામે નિરક્ષરતા પ્રજા-વિકાસને લૂણો લગાડે છે. અભણ લોકો પ્રાકૃતિક જીવનથી ટેવાયા હોવાથી પરંપરા મુજબનું જડ અને રેઢિયાળ જીવન વિતાવે છે. નવા વિચાર કે વિકાસની તક પ્રત્યે એ સાવ ઉદાસીન રહે છે. અક્ષરજ્ઞાન તથા વિચારશક્તિ પૂરતા પ્રમાણમાં ન હોવાથી નવા વિચારો સમજવા કે સ્વીકારવાની આ લોકોમાં તત્પરતા નથી હોતી. એટલે તેવા રાજયનો વિકાસ થવો શક્ય નથી.
નિરક્ષરતાથી જ્ઞાનનો અભાવ જન્મે છે. આવું અજ્ઞાન વહેમ અને અંધશ્રદ્ધાને પોષે છે. પરંપરાગત રૂઢિ અને જડ વલણના ચોકઠામાં પુરાયેલી પ્રજા બહાર નીકળી શકતી નથી. આવું પછાત અને અજ્ઞાની માનસ પ્રજાના વિકાસમાં અવરોધક બને છે. જડ માણસ સૂર્યને દેવ તરીકે પૂજે છે ખરો, પણ સૂર્યની શક્તિ - ગરમી જુદાં જુદાં ઉપકરણો વડે વાપરીને તેનો વૈજ્ઞાનિક ફાયદો ઉઠાવી શકતો નથી. આમ અજ્ઞાન અંધશ્રદ્ધાને વધુ ફેલાવે છે.
આજના વિજ્ઞાનયુગમાં માનવવિકાસની એટલી બધી તક અને સુવિધાઓ ઉપલબ્ધ બની છે, કે વિચારશીલ અને શિક્ષિત પ્રજા એને સમજી-સ્વીકારીને ઝડપથી પોતાનો વિકાસ સાધી શકે છે. એને બદલે નિરક્ષર પ્રજા વિજ્ઞાન શું છે તે જાણતી નથી, તો એનો લાભ ક્યાંથી પામી શકે ? ધર્મની ઘેલછા નીચે અજ્ઞાન તથા અંધશ્રદ્ધાને પોષણ મળતું હોવાથી નિરક્ષર પ્રજા વિકાસથી વિમુખ બને છે.
સાક્ષરતાથી માણસ વાચન, લેખન અને વિચાર માટે કેળવાઈને તૈયાર થાય છે. આવી રીતે ઘડાયેલી પ્રજા અન્ય રાજ્ય કે દેશની પ્રજા સાથે પરસ્પર વિચારવિનિમય દ્વારા સમજૂતી અને સંવાદ કેળવી શકે છે. આ સંવાદ પોતાના રાજકીય અને સામાજિક વિકાસ માટે જરૂરી સહાય મેળવવામાં એ પ્રજાને મદદરૂપ નીવડે છે. જ્ઞાન એ જ્યોત છે, અજ્ઞાન અંધકાર છે. એટલે જ અજ્ઞાની અને આંધળો બેઉને સરખા ગણાય છે. પ્રજાનું અજ્ઞાન દૂર કરી વિકાસ યોગ્ય બનાવવા માટે નિરક્ષરતા જેવા સામાજિક અનિષ્ટને દૂર કરવા દરેક દેશ આજે કમર કસે છે. આપણા ભારત દેશમાં પણ નિરક્ષરતા-નિવારણ માટે સાક્ષરતા-અભિયાન ચલાવવામાં આવે છે.
COMMENTS