Essay on An Evening in Rainy Season in Gujarati Language : In this article " વર્ષાની એક સુંદર સાંજ નિબંધ ", " વર્ષા ઋતુ નિબંધ...
Essay on An Evening in Rainy Season in Gujarati Language: In this article "વર્ષાની એક સુંદર સાંજ નિબંધ", "વર્ષા ઋતુ નિબંધ ગુજરાતી for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "An Evening in Rainy Season", "વર્ષાની એક સુંદર સાંજ નિબંધ" for Students
યુવાનોને પ્રિય વસંત છે તેમ બાળકોને અતિપ્રિય ઋતુ વર્ષા છે. એનું એક કારણ છે બાળપણનું વિસ્મય. આકાશમાંથી પાણી પડે તે કોણ રેડતું હશે એવી મુગ્ધ મૂંઝવણના વિસ્મયનું વર્ષાઋતુ સાથે સગપણ બંધાયું હોય છે. એટલે નાનપણથી જ બાળકોને વરસાદનું આકર્ષણ રહે છે. ગ્રીષ્મ જેવાં પ્રકૃતિમાં પરિવર્તન આવે છે. આષાઢ માસમાં વાદળો ઘેરાવા લાગે છે અને પાણીના ભારથી લચી પડતાં વાદળો ગાજવીજ સાથે વરસી પડે છે આમ ચોમાસાની શરૂઆત થાય છે.
વર્ષા એટલે સતત વરસાદની જ ઋતુ નથી હોતી. વિદાય થતો ગ્રીષ્મ હજુ પોતાનો પ્રભાવ છોડતો નથી. એક તરફ તાપનો ઉકળાટ અનુભવાય, બીજી તરફ આકાશમાં જામતાં વાદળો પર મીટ મંડાય. એવા એક દિવસમાં સૃષ્ટિ અને માનવજાત જાણે બેચેની અનુભવતી હોય છે. જેમતેમ વિતાવેલા દિવસને અંતે થોડી ઠંડક પામીશું એમ ઝંખના જાગે છે. સાંજે ઘર બહાર ફરી રહેલા લોકો વરસાદના આગમનની પ્રતીક્ષા કરતા નજરે પડે છે. બપોરનો આકરો સૂરજ ક્રોધથી જાણે સંતાઈ ગયો લાગે છે. ચારે દિશામાં અંધકાર જામતો હોય છે. સાંજ છે કે રાત ઊતરી આવી તે જણાતું ન હોય એવું વાતાવરણ જોવા મળે છે. મેઘગર્જના થતાં વર્ષારાણીના “એસ્કોર્ટ આવતા હોય એવું લાગે છે. તોપના ધડાકા જેવા કાન ફાડી નાખતા અવાજભરી મેઘની ગર્જના સાંભળતાં બાળકો રડી ઊઠે છે અને ક્યારેક યુવાનો પણ પ્રૂજી જાય છે.
વરસાદની સવારી વાદળોના ગડગડાટ સાથે આવી રહી ત્યાં તો તગતગતી તલવારોની જેમ જ વીજળીના ચમકારા થવા લાગ્યા. સંતપ્ત ધરતીની તૃષા નિહાળતા મેઘરાજાની આંખોમાંથી હર્ષનાં આંસુ ટપકવા લાગ્યાં. પ્રથમ વર્ષનાં અમીછાંટણાંથી ધરતીમાં રહેલી સુગંધ ચોમેર પ્રસરી ઊઠી. પૃથ્વીની આવી સોડમ દ્વારા સૃષ્ટિએ જાણે મેઘરાજાને પોતાનો પ્રેમાળ પ્રતિભાવ પાઠવ્યો. બસ ! પછી શું જોઈએ ? એકાએક સુસવાટા સાથે ધસી આવતા પવનમાં ધૂળની ડમરીઓ ઊડવા લાગી. પૃથ્વી પર પ્રવેશ મળ્યાની ખુશાલીમાં મેઘ મન મૂકીને વરસવા લાગ્યો. સતત બેત્રણ કલાક વરસેલા વરસાદથી બધે ઠંડક ફેલાઈ ગઈ. ઘડી પહેલાંની સંતપ્ત ધરતી હવે જાણે સદ્યસ્નાતા નવોઢા જેવી ખીલી ઊઠી.
વરસાદના આગમનથી શહેરની શેરીઓ અને ગામનાં ફળિયાં પાણીના રેલાથી છલકાય છે. ક્યાંક ખાબોચિયાં પણ ભરાય છે. રસ્તાઓ-સડકો ધોવાઈને સ્વચ્છ થઈ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં તલાવડી જેવાં દશ્યો સર્જાય છે. બાળકો વીજળીની ગર્જનાથી ગભરાઈને ઘરમાં સંતાયાં હતાં. એ બધાં હવે જાણે લડવા મેદાનમાં ઊતર્યા હોય એમ વરસાદમાં નાહવા ધસી આવે છે. એકબીજાને નાહવા ખેંચતાણ કરતાં અને સામસામે પાણીનો છંટકાવ કરતાં આ બાળકોના આનંદની આજે કોઈ સીમા નથી. એમના હર્ષને વ્યક્ત કરવા તે બધાં વરસાદમાં દોડાદોડ અને બૂમાબૂમ કરી મૂકે છે. ખાબોચિયાંમાં કૂદવા અને દોસ્તોને એમાં ઝબોળવાનો એમને અનોખો આનંદ આવે છે. કેટલાંક ભૂલકાં દાદાજી પાસેથી કાગળની હોડી બનાવડાવીને વરસાદના રેલામાં મૂકે છે. હોડી જાય તેની પાછળપાછળ દોડે છે, ઊધી પડતી હોડીને ફરી ગોઠવે છે. અને આમ રમત સાથે સ્નાનનો આનંદ પણ માણે છે. કેટલાક શૂરવીરો મોટા રાગડા તાણીને “આવ રે વરસાદ, બરિયો પરસાદ'નું ગ્રૂપસૉન્ગ ગાવા માંડે છે. વરસાદની આવી મજા લૂંટતાં મૂલકાંઓને જોઈને થાય છે, કે આપણે પણ બાળક હોત તો કેવું સારું !
બાળકની જેમ ખેડૂતોનાં હૈયામાં વરસાદના આગમનથી આનંદની હેલી ઊઠે છે. આ મોસમ સારી જશે ને સંતોષપ્રદ અનાજ પાકશે એવી આશાભરી તેની આંખમાં હર્ષનાં આંસુ તગતગે છે. પાણીનો પ્રશ્ન હલ થતાં ગામડાંની સ્ત્રીઓ પણ ખુશ છે. થોડા નાખુશ હોય તો એ નોકરીધંધે જનારા છે. કપડાં અને શરીર પલળે નહીં એ રીતે એમણે રોજ સાચવીને નોકરી પર જવાનું હોવાથી છત્રી, રેઈનકોટ અને વરસાદી બૂટચંપલની શોધખોળ શરૂ થાય છે. આમ વર્ષા જામતી જાય છે.
COMMENTS